આભપરા ના યોગી
પ્રકાશક: અશ્વિનભાઈ એ. મોઢા
જન્મ: સં: ૧૯૨૦ પોષ સુદ ૭
આવસાન: સં: ૧૯૮૬ મહા શિવરાત્રી
સચ્ચિદાનંદ પ્રભુ પરમ કૃપાળુ પરમેશ્વર તમે દિન દયાળુ વિશ્રંભર ઓમ ઓમ ઓમ
આપણાં પૂજ્ય બાપુએ આપેલ આ મંત્ર ઉચ્ચારણ કરતાં રોમ રોમ પુલકિત થઇ ઉઠે છે. આ મંત્ર જેવા જ દિવ્ય આપણાં બાપુ વિશે થોડુંક જાણીએ.
પૂજ્ય બાપુનો જન્મ કુણવદરમાં ૧૯૨૦માં ૭ સુદ પોષ માસમાં થયો હતો. પિતાનું નામ હરિદાસજી અને માતાનું નામ લાછબાઇ હતું. એક પુત્ર હતો અને બીજા પુત્રનો જન્મ થયો. દાયણે વધાઇ આપી કે ઋપિ જેવો પુત્ર જન્મયો છે ત્યારે પિતાનાં મનમાં વિચારો નૃત્ય કરવા લાગ્યા – હું આ દીકરાને ગોર મહારાજ બનાવીશ, રાણા સાહેબનો ગોર બનાવીશ. દેશ અને દુનિયા પગે લાગશે. અને એવા દિવા સ્વપ્ન જોવા લાગ્યા. હજી પુત્રનું મોઢું તો જોયું જ નથી પણ કલ્પનાની પાંખે વિહરવા લાગ્યા. જયારે પુત્રને તેમની સામે લાવવામાં આવ્યો ત્યારે તેમનાં મુખથી અચાનક આ શબ્દો સરી પડયા, “વાહ ત્રિકમજી વાહ” શ્રી દ્વારકાનાથને એમણે સ્મર્યા ત્રિકમજીના સ્વરૂપે અને બાળકનું નામ પડી ગયું ત્રિકમજી. કેટલું વિલક્ષણ નામ! નામમાં કેટલો પ્રભાવ હોય છે ?
નામ પ્રમાણે જ વિલક્ષણ ગુણ ધરાવતા ત્રિકમજીને પાઠશાળામાં અભ્યાસ કરવા માટે મૂકવામાં આવ્યા ત્યારે પાટીમાં માત્ર મીડાજ કરે. મીંડા મીંડાને મીંડા જ કરે. આગળ લખે જ નહીં. કહેકે આ મનખા દેહ મીંડા જેવો જ છે. પિતાને થયું ભણતો નથી. કામે લગાડી દો.
એક દિવસ ત્રિકમજીને બળદ ચારવા મોકલ્યા. બળદ ચરતા રહેઅને ત્રિકમજી આકાશ સામે જોઈને કાંઇ કાંઇ વિચારોમાં વિહરવા લાગે. કોઇ માણસે એમ કહ્યું કે, “તારા બળદ તો ખેતરમાં ચાલ્યા જાય છે” પણ ત્રિકમજી તો સતત ચિંતનમાં ડૂબેલા જ રહેતા અને જવાબ આપતા કે, “તમો એની ચિંતા ન કરો, બળદ પાછા આવી જશે.” પેલા માણસને અપમાન લાગ્યું અને ત્રિકમજીના પિતાને ફરિયાદ કરી કે તમારા ત્રિકમજીએ મારું અપમાન કર્યું કોઇ વાત કે શીખામણ સાંભળવા તૈયાર નથી.
ત્રિકમજીનાં પિતાને ખૂબ જ ગુસ્સો આવ્યો અને પરોણો હાથમાં લઇ નકકી જ કરયુ કે, સોટીથી ઝૂડી નાખવો. પણ જયાં ત્રિકમજી પાસે આવીને જુએ છે – ત્રિકમજીનાં મુખ પરની લાલી, તેજ, દિવ્યતા, તેના આ ઝૂડી નાંખવાના નિર્ણયને પીગળાવી ગઇ.
મોટા થવા છતાં ત્રિકમજીનાં વર્તનમાં કાંઇ સુધારે ન થયો. એજ નીસ્ફીકર જીવન, ચિંતન, મનન સતત ચાલુ રહ્યું. તેમના પિતાથી એકવાર ગુસ્સામાં બોલાઇ ગયું, “જા ભાગી જા” અને ખરેખર ત્રિકમજી ઘરમાંથી ભાગી ગયા. પછી તો પસ્તાવાનો પાર નહી. પોરબંદર, ખેપિયા દોડાવ્યા પણ કયાંય પત્તો ન લાગ્યો, ચરે બાજુ તપાસ કરી પણ ત્રિકમજી ન મલ્યા. માતા આક્રંદ કરે છે કે જો દીકરાને પરણાવી દીધો હોતતો વીસનોરી ને છોડીને કયાંય જાત નહીં.
બે-ત્રણ મહિના પછી પત્ર આવ્યો પણ પત્ર કોઇ બીજાનો લખેલ હતો. ગામમાંથી જાત્રા માટે સંઘ ગયેલ હતો તેમાંથી કોઇ વ્યક્તિએ લખ્યો હતો – પત્રમાં લખેલું હતું કે, “અમો દેવ દર્શન કરીએ છીએ, શ્રીયમુનાજીમાં ન્હાઈએ છીએ. ભોગ ધરાવીએ છીએ અને ત્રિક્મજી અમારી સાથે છે.”
પિતાનાં મનને શાંતિ થઇ કે ચાલો યાત્રામાં ગયો છે. ભાગ્યો તો નથી. બાવો તો નથી થયો. પતિએ મોટા દીકરાને વાત કરી “એને તું લઇ આવ યાત્રાએ ગયેલ સંઘ પાછો આવશે ને ત્રિકમજી પાછો નઈી આવે તો?”
આ તરફ યાત્રામાં બધાની સાથે હોવા છતાં એ અ લગારી જીવ પોતાના ચિંતનમાં જ મગ્ન રહેતા હતા. બધાને દર્શન કરતાં, ભગવાનને ઝૂલાવતા અને ઝ્ઘડતા જતા છતા. બ્રાહ્મણોને, પંડિતોને ભગવાનના નામે ઠગતા જોતા હતા. એટલે તેઓની સાથે રહેવા છતાં જગતથી દૂર હતા. શાંતિ ક્યાંય નથી. એમ વિચારતા હતા કે, “ઘેરથી કોઇ તેડવા આવે તો ચાલ્યો જઉં.”
આ તરફ મોટા ભાઇને ઘરેથી પિતાએ સમજાવ્યા હતા કે તું ત્રિક્મજીને સમજાવી, પટાવી ને લાવજે. ગુસ્સે થઇને વાત નહી કરતો. પણ અહીં આવીને જોયું તૉ તેમને કાંઈ કરવાની જરૂરત જ નહીં દેખાઈ આશ્ચર્ય સાથે જોયું કે ત્રિકમજી કાંઈ પણ કહયા વગર જ સાથે આવવા તૈથાર હતા.
ઘરે આવ્યા પછી માતાને જે કરવું હતુએ કરીને જ રહ્યા. સારા ઘરની છોકરી જોઈને લગ્ન કરી દીધા. આ બાપુનાં જીવન નો પ્રથમ તબકકો કહી શકાય.
લગ્ન સામાન્ય રીતે તો સમાન્ય માણસ માટે બંધન રુપ નીવડે છે. પણ પ્રભુનાં કૃપાપાત્ર લોકો મટે મુક્તિ દાયક હોયછે. ત્રિકમજીની બાબતમાં પણ આમ જ બન્યું. લગ્ન થયા એટલે જ્વાબદરી આવી, સામાન્ય કુંટુંબ હતું. રોજી રોટી માટે સામાન્ય ખેડ હતી. સખત મહેનત ગજૂરી કરવી પડતી હતી. આવા સમયે એમને એમ લાગતું હતું કે “હું ભગવાનને ભૂલતો જાઉ છું.” પણ ભગવાન તેમને ભૂલ્યા ન હતા. આ જવાબદારીને કારણે તેમને આધ્યાત્મિક માર્ગમાં જવામાં ૪ વર્ષ મોડું થયું.
આ ૪ વર્ષના સમથ દરમ્યાન એકપુત્રીના પિતા બન્યા.અને નાનકડી દીકરીને મુકીને એમના પત્ની સ્વર્ગે સીધાવી ગયા. એક બંધન તો અનાયાસે છૂટી ગયું. પણ પુત્રીની જવાબદારી પોતાના પર આવી પડી. માયાનું બીજું બંધન છોડીને જઇ શકાય તેમન હતું.
આધ્યાત્મિક નો માર્ગ સંઘર્ષ વગર તો પસાર થતો નથી. ડ્ગલૅ ને પગલે અગ્નિ પરિક્ષા થતી જ રહે છે એક તરફ પુત્રીની જ્વાબદરી અને બીજી તરફ કીર્તન સૂરનો ખેંચાવ. કીર્તન ભજનના સૂર સાંભળીને એમનું આંતર ખેંચાઇ જતું અને પછી તો પોતાનાં ભાભી પર નાનકડી દીકરીની જવાબદારી સોંપીને કીર્તન-સત્સંગ માં ચાલ્યા જતા. સંયુક્ત કુટુંબ હતું. ભાભીએ દીકરીની જ્વાબદરી સ્વીકારી તો લીધી પણ તે કહેતી કે તમારે આવી રીતે રોજ ભજન કીર્તન કરવા જતા રહેવાનું હોય તૉ મારાથી તમારી દીકરીની જ્વાબદારી વેંઢાંરી નહી શકાય. એક દિવસ ભજનમાંથી મોડું થયું. ભાભીએ કહયું કે, “તમારા માટે અમાંરે રોજ ભૂખ્યા રહેવાનું ? આતો રોજનું થયું આના કરતાં તો બાવા થઇ ગયા હોત. ઘર છોડીને ભાગી ગયા હોત તો સારું થાત, મફતમાં રોટલા ખાવા અને ભજન ગાવા.”
અને આ શબ્દો ત્રિકમજી ને હાડોહાડ લાગી ગયા. આખીરાત મનોમંથન ચાલ્યું અને હવે આ ઘરમાં એક દિવસ વધારે રહેવાય નહી. એમ વિચરી ઘર છોડી ચાલ્યા જવાનો નિર્ણય કર્યો. ભાભીનાં શબ્દો જાણે કે માયા માંથી મુક્ત થવા માટે ત્રિકમજી માટે દેવી શકિતનો પ્રકાશ હતો.
સવારે કપડાની પોટલી અને નાનક્ડી પુત્રીને તેડીને ચાલતા થયા ભાઈને કહયું કે, “હું જઉ છું” ભાઈએ રોકવા પ્રયાસ કર્યો. પણ ત્રિક્મજી કહૈ “ના હું જાતે કમાઇશ છોડરીનું ઘ્યાન પણ રાખીશ હું જાઉ છું.”
એટલામાં ભાભી આવ્યાને બોલ્યા કે, “જવા દો નહિ રોકો માથે જ્વાબદારી આવશે તો ખબર પડશે કે જ્વાબદારી કેમ ઉપાડાય છે? જવા દો, એમને રોકયા છે તો મારા સમ. થોડા દિવસમાં પાછા આવી જશે.”
પણ ત્રિક્મજી ભાભીના આ શબ્દોને સાંભળવા ઉભા ન રહ્યા. ચાલતા ચાલતા કુંણવદરથી રોઝડા આવ્યા. ત્યાં ર વર્ષ રહ્યા. ખેતરમાં કોઇને ત્યાં સાથીપો કરીને ગુજરાન ચલાવતા. માતા વગરની પુત્રીના માતા અને પિતા બન્યા. એક તરફ ખેતરમાં કામ અને બીજી તરફ નાની પુત્રીની જવાબદરી, રાત્રે ભજન કીર્તન અને ચિંતન.
આખરે ઇશ્વરને જે કરવું હતું તે થઇને જ રહ્યું પુત્રી પણ માતાનાં રસ્તે સ્વર્ગે સીધાવી આમ બીજું બેંધન પણ છૂટી ગયું.
હવે તો માત્ર ખેતી અને કીર્તન – ભજ્ન બસ જાણે છે આજ જીવન ક્રમ બની ગયો. સમય જતાં ક્યરેકતો દિવસે પણ ભજ્ન – કીર્તન અને રાત્રે પણ એજ.
એક રાત્રે ખેતરમાં રખોપા કરવાનાં હતાં પણ એ તો અ લગારી જીવ. કીર્તન ભજનમાં એટલા મસ્ત બની ગયા કે એમને યાદ ન રહ્યું કે તેઓ ગામના ચોરે બેસીને ભજન કરે છે કે ખેતરમાં રખોપા કરે છે?
કોઇ માણસે ખેતરનાં માલિકને ફરિયાદ કરી કે ત્રિક્મજીતો ખેતરમાં રખોપા કરવાને બદલે ચોરે બેસીને ભજન કરે છે. ખેતરના માલિક ખેતર પર જઈને જુએ છે તો ત્રિકમજી ખેતરનું રખોપું કરે છે. અને ચોરા પર આવીને જુએ છે તો કીર્તન કરે છે. ફરી ખેતર પર જઇને જુએ તો ખેતરમાં રખોપું કરે છે. વિચારમાં પડીં ગયા કેઆ સાચું કે આ સચું? હદ થઇગઇ બન્ને જગ્યા પર ત્રિકમજી ? આવીને ત્રિકમજીના પગમાં પડી ગયા કે, ‘બાપુ મને માફ કરો. હું તમને ઓળખી ન શક્યો.’
ત્રિક્મજી આપણાં – બાપુ – કહે છે કે “હાઉ, રહેવા દે હવે રહેવા દે’ અને બીજે દિવસે બધુંજ છોડીને આધ્યાત્મિક ની વાટ પકડી લીધી. વિચારવા લાગ્યા કે અરે રે, મારા માટે ભગવાને આટલો શ્રમ કર્યો ? આ ટર્નિગ પોઇન્ટ હતો. દરેકમાણસ પાસે બે રસ્તા હોય છે. જેમાંથી એક સંસાર નાં કળણ તરફ જતો હોય છે. અને બીજો ઈશ્વર તરફ અને બાપુએ બીજો રસ્તો પસંદ કરી લીધો. આહી બાપુનાં જીતનો બીજો તબકકો શરૂ થયો.
એમનું મંથન ચાલુ જ રહયું કે મારા માટે ભગવાનને સાથીપો કરવો પડયો ? ખલાસ હવે મારે મારું આખું જીવન ભગવાનનાં કીર્તન – ભજનમાં જ ગાળવું છે. અને આ આધ્યાત્મિક તરફ જ્વાની શફઆત હતી.
ગુરૂ વગર આધ્યાત્મિકની વાટ પર આવતી અડચણો, મુસકેલીઓથી કોણ બચાવે ? ગુરૂ જોઈએ, ગુર જોઈએ એમ એમને લાગવા માંડ્યું.
ચાલતાં-ચાલતાં બીલખામાં નથુરામ શર્માજીનાં આશ્રમ પાસે આવી ઉભા રહ્યા.કથા ચાલુ હતી. કથા પૂરી થાય તો શર્માજીને મળી શકાય. મેલાં-ઘેલાં કપડા, માથે ફેંટો હતો. પણ ઝગારા કરતું મુખ જોઇ નથુરામ શર્મા ઓળખી ગયા કે પાત્ર યોગ્ય છે. કથા પૂરી થયા પછી પાસે બોલાવ્યા અને પૂછયું છે, “કયાં રહેવું ?” જવાબ મલ્યો. “ઘરતીપર” શા માટે આવ્યા છો ? તોકહે “ભગવાનને મેળવવા માટે” ગુરુ એ ટકોરો માર્યો “યુવાન છો, આખું જીવન પડયું છે, વૈરાગ્યનો માર્ગ સહેલો નથી. તલવારની ધાર ૫૨ ચાલવાનું કામ છે. માટે તમો પાછા ચાલ્યા જાવ.” જ્વાબ મલે છે “પાછા જવા માટે નથી આવ્યો”
આકરા અને ચૂરૂત નિયમોમાં બંધાઈને છ મહિના ત્યાં રહ્યા. ખૂબ આકરી કસોટી સહન કરી. પણ ક્રોધ હજુ છૂટયો નહોતો. અન્યાય થતો હોય કે જુલ્મ થતો જોઈને સહન કરી શક્તા ન હતા. આંખ લાલ થઇ જતી અને જાણે અંગારા વરસતા દોય તેમ લાગતું હતું. આ છ મહિના દરમ્યાન ક્રોધ પર કાબુ રાખવામાં તેઓ મહદ અંશે સફળ થયા. કેટલીક વાતો એવી હતી પોતાને ગમતી ન હતી. પણ તેઓ પોતાના પર સંયમ રાખતા અને વિચાર કરતા કે “હું ગુરૂની નિશ્રામાં છું તેથી મારે ઉગ્ર થવું ન જોઈએ.”
આશ્રમ વાસ દરમ્યાન એક પ્રસંગ બન્યો. અહી એક એક પૈસાનો હિસાબ રાખવો પડતો, આપવો પડતો હતો. એક વાર ત્રિક્મજી શાકભાજી લેવા ગયા અને ચાર આનાની હિસાબમાં ભૂલ થઇ ગઈ. ગુરૂજી ખૂબ ખીજાયા અને બધાની વચ્ચે ઠપકો આપ્યો. ગુરૂ એમ ઇચ્છતા હતા કે શિષ્યમાં બિલકુલ કચાસ ન રહે.એક એક વાતમાં શિષ્ય ખરે ઉતરે. માટે આમ ટકોરા મારીને ઘડતા હતા પણ સ્વમાની બાપુને આમ બધાની વચ્ચે ઝાડી નાખ્યા એટલે ખૂબ લાગી આવ્યું. એક પણ શબ્દ બોલ્યા નહીં, પણ મનમાં, “હવે અહી નહી રહેવું એમ નક્કી કરી લીધું.” બીજા દિવસે બહાર જઇને આખો દિવસ મજુરી કરી ચાર આના ભેગા કર્યા અને ગુરૂના ચરણમાં મુકી દીધા. ગુરૂ કાંઇ જ બોલ્યા નહી. ગુરૂને તો શિષ્યને ઘડવા હતા. પૂર્ણ બનવવા હતા.
સવારે મોડે સુધી બાપુ દેખાયા નહી આશ્રમમાં કોઇ માણસને ગુરૂએ ત્રિકમજીના રૂમમાં જોઈ આવવા કહયું જઇને જૂએ તો ત્રિકમજી નહોતા. ત્રિક્મજી તો એજ રાત્રે આશ્રમ છોડીને જતા રહયા હતા બીજા દિવસે ગુરૂ કાંઇ કહૈવાનાં હતા. પણ કોને કહે?
બીલખાથી ચાલતા – ચાલતા ત્રિકમજી ગિરનાર આવ્યા. ગીરનારની અંદર ક્યાં જવું એ પ્રશ્ન હતો. ગિરનાર પવિત્ર ભૂમિ છે. સાધુ-સંતોનું રહેઠાણ છે. મનમા વિચાર છે કે કોઇ યોગી, સાધુ, સન્યાસી જરૂર મળી જશે. પૂરી શ્રધ્ધા સાથે ચાલતા હતા. દૂર-દૂરથી એક ધૂણી ધખતી જોઇ સફેદ ફર ફરતી દાઢી, સફેદ જટા અને આહુતિ હોમતા સાધુ જોયા. બન્નેની દષ્ટિ એક બીજા પર પડી. સાધુ પૂછે છે. “કેમ આવ્યો ?” એજ જવાબ “ભગવાનને મેળવવા છે” સાધના, કરવા આવ્યો છું. સાધુએ પાસે પડેલો ચીપિયા જોરથી માર્યો એક નહિ બે નહી ત્રણ ચિપિયા મારી ફરી પૂછયું શું કામ આવ્યો છે. એજ જવાબ. સાધુએ ફરી ચાર ચીપિયા માર્યા તો પણ મોઢામાંથી એક શબ્દ બૉલ્યા નહી. ત્રિકમજીની સહન શકિત ધીરજ અને ગમ્ભીર્યા ને જોઈ સાધુએ ચિપિયો ફૈંકી દીધો અને દોડીને ભેટી પડયા આશીર્વાદ આપ્યા કે, “બેઠા તું મહાન માણસ બનીશ. આધ્યાત્મિક ની અંદર ઊંડામાં ઊડુ અને ઊંચામાં ઊંચુ જ્ઞાન પ્રાપ્ત કરીશ. આજે તું મારી કસોટીમાંથી પાર ઉતર્યો છે.”
ત્રિકમજી સાધુ પાસે થોડો સમય રોકાયા. આ સાધુ પાસે ગંજેરીઓ ગાંજો પીવા આવતા ત્યારે ત્રિકમજીએ બહાર રહેવું પડતું તેઓ કોઇ સાથે ભળતા નહીં. પોતાના ધ્યાન, મનન, ચિંતન, ભજનમાં જ મસ્ત રહેતા હતા. વિચાર્યું કે અહી ફાવશે નહી. એક દિવસ સાધુ પાસે પાસે આવીને ઉભા રહ્યા. કાંઈ પણ બૉલે તે પહેલા જ સાધુએ કહ્યુકે, “બેટા જાના ચાહતે હો”, “હાં” સાધુએ ખૂબ જ આશીર્વાદ આપતા કહેલ કે “જાવ બેટા જાવ. તુમ્હારા સ્થાન નિશ્ચિત હૈ. જાવ તુમ્હારા વતન તુમ્હારી રાહ દેખ રહા હે.”
ચાલતાં ચાલતાં ત્રિક્મજી ધુમલી આવ્યા ભૂગુકુંડ પર આવ્યા. ત્યાં એક રબારી ભાઇ સૂતા હતા. તેમણે ત્રિક્મજીને જોયા. કપડાં મેલાં-ઘેલાં હતાં પણ મુખ ઝગારા કરતું હતું. રબારી ભાઈએ પૂછયું કે “કયાં જવું છે ?” ત્રિકમજી કહે – આભપરા. રબારી ભાઇએ તાપ માં ન જવા તેમજ થોડો વિશ્રામ કરવા જણાવ્યું. રબારી ભાઈની પ્રેમભરી વાત સ્વીકારી ને ત્રિક્મજી થોડી વાર રોકાયા. રબારી ભાઈ ની ગાયનું તાજું જ શેડ કઢું દૂધ લાવ્યો અને પીવા માટે વિનંતી કરી અને ડુંગર ચઢવામાં તાકાત આપશે એમ કહ્યું. રબારી ભાઇએ ક્યું કે ઉપર જાવ ભલે પણ સાંજે વહેલા પાછા આવી જજો. કારણ કે રાત્રે ત્યાં દિપડા આવે છે. આભપરામાં કોઇ રાત રોકાઇ શકતું નથી. ભૂલથી પણ ઊતરવામાં મોડું થાય તો ઉપર જવા વાળાને દિપડા ફાડી ખાય છે.
અને ત્રિકમજી ડુંગર પર ચડ્યા કે પાછા સાત વર્ષ સુધી નીચે ઉતર્યાજ નહીં. બાપુએ તપ સાધના ભજનથી પવિત્ર વાતાવરણ સર્જી દીધું કે ત્યાં આવતા સાપ, નાગ, સિંહ, દિપડા કે શિયાળ બધાનાં સ્વભાવ બદલાઇ જતાં. સાત વર્ષમાં પહેલાં બે વર્ષ ફૂલ-ફળ પર, ચાર વર્ષ પાંદડા પર અને એક વર્ષ માત્ર પાણીની ત્રણ અંજલી ભર દિવસ કાઢ્યા. આધુનિક સમયમાં માણસ સિદ્ધી જુએ છે પણ સિદ્ધિ માટે કરેલી તપસ્યા, સાધના, ત્યાગને ભૂલી જાય છે.
બાપુએ કોઇને પોતાની અંગત વાત બતાવી હતી કે એક રાત્રે ડુંગર આભપરો તેમની પાસે આવ્યો અને પોતાનું સ્વરૂપ ખોલ્યું. એમાં ડુંગરે એક ગુફા બતાવી, એ ગુફા ઝાડ, પાન, ફળ ફૂલથી ભરેલી હતી.
બાપુએ વિચાર્યું કે અહીં બેસીને હું તપ કરીશ. ગળામાં નાગ વિંટળાય જાય. આજુબાજુ દિપડા-સિંહ બેઠા હોય તો પણ બાપુને કાંઇ ખબર ન પડે એવા ચિંતન, તપ, તપસ્યામાં બાપુ ડૂબેલા રહેતા.
એક સમયે જે વ્યકિત – બે ગરાસિયા અને બે બ્રાહ્મણ – બાપુને મળવા ગયા હતા. તેમણે જોયું કે બાપુના ગળામાં એક ખૂબજ મોટો ઝગારા મારતો નિલમ, માણેક હીરાનો હાર હતો. તેઓએ પૂછયું કે, “બાપુ આ હાર ક્યાંથી ?” બાપુ કહે કે, “કોઇ દેવતા આવીને પહેરાવી ગયા હશે.”
આ દુનિયામાં કોઇ ચમત્કાર નથી કે કોઇ વસ્તુ અશક્ય નથી. તપ, તપસ્યા, સિદ્ધિ જેમ જેમ ઊંચી ભૂમિકા પર જાય તેમ તેમ નીચેની ભૂમિકા વાળાને બધુંજ ચમત્કાર દેખાય. હકીકતે સંતોને આ બધુંજ સહજ હોયછે. પૂરા સાત વર્ષ આકારામાં આકરી તપસ્યામાં બાપુએ ગળ્યા અને એક દિવસ ગુફામાં દિવ્ય પ્રકાશ ફેલાઇ ગયો. એ પ્રકાશ એમનાં હદયમાં થયો. એ જ્ઞાનનો પ્રકાશ હતો. જીવનનું રહસ્ય, મર્મ, હેતુ, સફળતા સમજાઇ ગયાં. એ પ્રકાશ પુંજ ભગવાનનો સાક્ષાત્કાર હતો. થોડા સમય પછી બાપુ આભપરાથી નીચે ઉતર્યા.
ઈશ્વર પહેલા સંતોને દર્શન આપે અને પછી આદેશ આપે છે કે જગતમાં પ્રકાશ ફેલાવો. માણસોને સત્યનો માર્ગ બતાવો. માણસો પર કૃપા કરો.
આભપરા પરથી નીચે ઉતર્યા પછી બાપુનાં જીવનનો ત્રીજો તબકકો શરૂ થયો આ તબકકો હતો – લોક કલ્યાણ નો – જન કલ્યાણ નો – જ્ઞાતિ ઉદ્વાર નો – જ્ઞાતિ ઉત્કર્ષ નો.
જે જેમાણસો બાપુનાં સંપર્કમાં આવ્યા તેમની ચેતના જાગૃત થાય માટે બાપુએ પ્રયત્ન કર્યા. ત્યાર પછી બાપુ ચાલતા ચાલતા દ્વારકા ગયા અને ત્યાં ગુફામાં તપ કર્યુ. ત્યાં એમને થયું કે હવે મારે દેહ મૂકી દેવો છે. આવો વિચાર તેમણે ચાર વાર કર્યો. પણ તેમનાં ભકતોએ વિનંતી કરીકે બાપુ બ્રહ્મજ્ઞાન નો પ્રચાર અને પ્રસાર અમારા માટે કરો. અને અમારો ઉદ્ધાર કર્યા વગર આપનાથી જવાય નહીં તેથી બાપુએ ૬૬ વર્ષ સુધી પોતાનું જીવન લંબાવ્યું.
બાપુએ જોયું કે બર્ડાઇ બ્રાહ્મણ જ્ઞાતિ ખૂબજ પછાત છે. કારણ શું છે? ગરીબાઇમાં જીવતા, એક સાંધો તો તેર તૂટે જેવી પરિસ્થિતિમાં જીવતાં, જ્ઞાતિજનો ખેતી સાથીપો કરીને જીવન ગુજરતા હતા.
બાપુએ આ પરિસ્થિતિનો ભોગ જ્ઞાતિજનો શા માટે બન્યા તેનું કારણ, જ્ઞાતિજનો દીકરીના પૈસા લેતા તે જાણ્યું. એ સમયમાં કન્યાની અછત હતી. કન્યા જન્મ ખુશીનો અવસર માનવામાં આવતો અને કન્યાના લગ્ન સમયે ૪૦૦ કોરી (તે સમયનું નાણું) વર પક્ષ પાસેથી લેવામાં આવતી.
બાપુએ બતાવ્યું કે દીકરીના પૈસા લે એતો કસાઇ કરતાં પણ બદતર છે. કસાઇ તો બીજાના પશુને મારે છે જયારે આ રીતે પૈસા લેનાર તો પોતાના જ સંતાનને મારે છે. શોષણ કરે છે.
એક સમયે નટવરમાં જ્ઞાતિ આગેવાનો એ સભા કરી. બાપુને ત્યાં પધારવા માટે આમંત્રણ આપ્યું કે “અહી પધારો અને અમોને આશીર્વાદ આપો.”
બાપુએ જણાવ્યું કે “હું તો જ આવું કે જ તમો મારી વાત માનવાના હોય” બધાજ બાપુની વાત સાથે સહમત થયા. અને બાપુએ ઉપરની વાત સભામાં બતાવી આ રીતે જ્ઞાતિ ઉત્કર્ષનું પ્રથમ ચરણ આ નટવરની સભામાં ભરાયું. બાપુએ આદેશ આપ્યો છે કે “જ્ઞાતિ બંધુઓ, દીકરીનાં પૈસા લેવા નહિ. દહેજ પણ લેવું નહિ. દીકરીને કંકુ અને ઘાટડીએ પરણાવવી” બાપુ માત્ર આઘ્યાત્મિક ઋષિજ નહોતા પરંતુ મોટા સમાજ સુધારક પણ હતા.
બાપુએ સભાનાં આગેવાનને કહ્યું કે “નહી, માત્ર તમે જ નહીં, માત્ર નટવર જ નહીં, પણ ગામે ગામે માણસો મોકલીને આ ખબર પહેંચાડો અને દીકરી ના પેસા લેવા નથી એ વાતનો પ્રચાર કરો અને એવો આશીર્વાદ પણ આપ્યો કે જે દીકરીનાં પૈસા લેશે નઈ તેઓ સુખી થશે. તેમનો ઉત્કર્ષ થશે.
અને આ રીતે બાપુનાં આદેશ અને આશીર્વાદથી જ્ઞાતિજનો નો ઉત્કર્ષ શરુ થયો.
એક સમયની વાત છે – બાપુ ફૂલઝર પાસે એક રબારી ભાઈને ત્યાં હતા. રબારી ભાઇએ તેમને આગ્રહ કરીને રોકયા અને તેમનું એક આસન બનાવ્યું નાનકડી એવી રૂમ બનાવવી હતી – તેમના માટે વાંસ જોઈતા હતા. રબારી ભાઇ વાંસ લેવા નજીકમાં જંગલમાં ગયા ત્યાં તેઓને “જામ સાહેબના માણસો વાંસ જપતાં જોઈ ગયા અને તેમણે જામ સહેબને ફરૈયાદ જરી અને રબારી ભાઈને દંડ કર્યો બાપુએ કહ્યું કે, “આ ગરીબ રબારી ને કનડો નહિ. હું તારું રાજ્ય છોડીને જ્તો રહું છું”
બાપુ પછી ગોંડલ ચાલ્યા ગયા. અને બરડા પંથકમાં વરસાદ પાડવાનો બંધ થયો. દુકાળના ઓળા ઉતરી આવ્યા. “જામ સાહેબને થયું કે સંત દુભાયા તેથી વરસાદ પડવાનો બંધ થયો છે.
સંત કદી શ્રાપ આપતા નથી. તેમના હૃદયમાંથી હમેશા કરૂ્ણાનું જ ઝરણું વહેતુ હોય છે. પણ સંતનાં દુભાવાને ભગવાન સહન કરતા નથી.
જેણે ફરિયાદ કરેલી તે રબારીને બોલાવીને જામ સાહેબે બાપુને પાછા વાવ પર બોલાવ્યા જે વાવ આપણે “બાપુની વાવ” તરીકે ઓળખીએ છીએ.
જામ સાહેબને બાપુના દર્શન કરવાની ખૂબ જ ઇચ્છા હતી. બે-ત્રણ વાર પ્રયત્ન કર્યા પણ બાપુએ કોઠું આપ્યું જ નહીં બાપુ જામ સાહેબને પાઠ શીખવવા માગતા હતા કે કોઇ દિવસ ગરીબ-નિર્દોષ માણસને પરેશાન નહીં કરો. પ્રજાને રંજાડો નહીં.
એક સમયે બાપુ કિલેશ્વર આવ્યા હતા અને જામ સાહેબના પિતરાઇ ભાઈ દેવુભાઇના બંગલામાં બાપુનો ઉતારો હતો. બાપુ ભજન-ચિંતનમાં તલ્લીન હતા ત્યારે તેમણે ચૂપકીથી દરવાજો બંધ કરી તાળું મારી દીધું અને ઝડપભેર બાપુના દર્શન કરવા જામ સાહેબને બોલાવ્યા જામ સાહેબ પણ ખૂબજ ઝડપથી આવ્યા. કારણ કે તેમને બાપુનાં દર્શન ની ખૂબજ તાલાવેલી હતી.
પણ જેવું બારણું ખોલ્યું જઇને જુએ તો આસન ખાલી. બાપુ ત્યાં નહોતા. આ વાત શક્ય છે ? આપણને આ વાત ચમત્કાર લાગે ને! આપણું શરીર ભૌતિક છે અને તે બંધ દરવાજામાંથી પસાર ન થઇ શકે. પણ સૂક્ષ્મ જગતની અંદર-શરીર સાધના કરનાર. તપ કરનાર વ્યકિત પોતાનાં શરીરને સૂક્ષ્મ બનાવી શકે તેમજ ભૌતિક વસ્તુ પર કંટ્રોલ કરીને તેમને ખસેડી શકે છે.
બાપુએ કરેલી પ્રચંડ સાધનાની સિદ્ધિનું આ જવલંત ઉદાહરણ આપણી સામે છે અણીમા ગરીમા મહિમા લધુમાં વગેરે સિદ્ધિઓ બાપુએ પ્રાસ કરેલી હતી.
આવો જ એક પ્રસંગ બળેજ માં બન્યો હતો. આપણી જ્ઞાતિના આગેવાન જૂઠાભાઈને ત્યાં બાપુ ગયા હતા. હોળીનો સમય હતો બાપુને કાન મેરા અને આભપરાની હોળી કરવા જવું હતું પણ જૂઠાભાઇ કહે “તમને ન જવા દઉ.”
બાપુ કહે ભલે “હું મારા રૂમમાં બેઠો છું તું આવતી કાલે ૪ વાગ્યે દરવાજો ખોલજે.” જૂઠાભાઇ કહે “ભલે” તેમને તો બાપુને રોકવા હતા ને.
આ તરફ બાપુ કાન મેરા જઇ આવ્યા હોળી કરી આવ્યા. પ્રસાદ લઇ આવ્યા રસ્તામાં એક રબારી સાંઢણી લઇને આવતો હતો. તેમણે બાપુને સાંઢણી પર બેસી જવા કહ્યું બાપુ કહે કે, “તું મારી પાછળ-પાછળ ચાલ્યો આવ.” સાંઢણી પર બેસેલ રબારી બાપુની ચાલને પહોંચી ન શક્યો અને જોત-જોતામાં રબારીની આંખથી બાપુ ઓઝલ થઇ ગયા.
રબારીભાઇએ આવીને જૂઠાભાઇને કહ્યું કે “બાપુ કાન મેરા આવ્યા હતા.” જૂઠાભાઇ કહે કે “બાપુ તો અહીં રૂમ માં બેઠા છે. રૂમ ખોલીને જુએ તો બાપુ બેઠા-બેઠા કીર્તન-ભજન કરે છે. અને પછેડી બાંધેલ પ્રસાદ જૂઠાભાઇને આપતાં કહે છે. “”લે જૂઠા કાનમેરાની હોળીનો પ્રસાદ લે.”
જૂઠાભાઇ બાપુના પગમાં પડી ગયા અને વિનંતી કરી. “મારો અપરાધ ક્ષમા કરશો. હું હવે કદી તમારી ઇચ્છા વિરૂધ્ધ રોકીશ નહીં.” આવી હતી આપણા બાપુની શકિત અને સિદ્ધિ.
એક સમયે જૂઠાભાઇ બાપુને બળેજ લઇ જવા માટે આવ્યા. કારણકે તેમનો દીકરો બિમાર હતો અને તેમને બાપુના દર્શન કરવા માટેની ખૂબજ ઇચ્છા હતી. અને કદાચ છેલ્લી. જૂઠાભાઇ બળદ ગાડું લઇને બાપુને લેવા માટે આવ્યા હતા. જૂઠાભાઇને બાપુએ આશ્વાસન આપ્યું કે તારા દીકરાને કશું થશે નહીં. તેણે તો હજુ ઘણા કામ કરવાના બાકી છે.
રસ્તામાં વેંકળો આવ્યો. બળદને પાણી પીવા અને આરામ કરવા છોડ્યા. બાપુ વેંકળામાં નહાવા ગયા. પાછાઆવ્યા ત્યાં બળદને સાપ કરડ્યો અને બળદ મરવા જેવો થઇ ગયો. જૂઠાભાઇ કહે – “હવે, આપણે થોડી રાહ જોવી પડશે. બીજો બળદ આવે તો ગાડું ચાલે”
બાપુ તો કરૂણાનાં સાગર, બળદ પાસે જઇને કહ્યું “ચાલ ઉભો થા. તારે હજુ અમને બળેજા પહોંચાડવાનાં છે.” અને બળદ ઉભો થઇ ગયો. આ બાપુની શકિત, સિદ્ધિનું બીજુ ઉદારણ. બાપુ કેટલા દયાળુ, કૃપાળુ, કરૂણા સભર હતા, છે અને હમેશાં રહેશે.
એક સમયે ભાટીયા ગામમાં શેઠ રતનસિંહ ધરમર્સિહનો દીકરો બિમાર થઇ ગયો. મંદિરનાં કોઇ મહારાજશ્રીની પધરામણી તેમના ઘરે હતી. મહારાજશ્રી ની સ્વાગતની તૈયારીને તેમને આપવાની ભેટની રૂ. ૩૨૦૦ ની થેલીની સેવા વગેરેમાં શેઠ લાગેલા હતા. મહારાજશ્રીની વિદાય પછી ઘરમાં આવીને જુએ છેતો દીકરો મૃત પડેલ હતો.
શેઠાણી કાળું કલ્પાત કરે છે. કોઇએ કહ્યું કે અહીં ત્રિકમજી બાપુ બિરાજે છે તેમને બોલાવી – દીકરાને આશીર્વાદ અપાવો. દીકરો તરત બેઠો થશે – સાજો થઇ જશે.
બાપુ પાસે જઇ ઘરે પધારવા અને દીકરાને સારો કરવા શેઠે વિનંતી કરી. બાપુ કહે – “લેણ દેણના સંબંધો પૂરા થયા. જેમનો જન્મ તેમનું મૃત્યુ નિશિત છે. ચિંતા ન કરો.”
શેઠ શેઠાણી કલ્પાંત કરતાં વિનંતી કરે છે. “અમારો એકનો એક દીકરો આ રીતે ચાલ્યો જાય તે કેમ સહન થાય ?”.
બાપુ તો કૃપાળુ છે વિનંતીથી બાપુનું હ્રિદય દ્રવી ઉઠ્યું. રૂમ માં આવ્યાને કહે, “બેટા ઉભો થા. તારે ધરમનાં ઘણાં કામ કરવાના છે.” અને શેઠનો દીકરો આળસ મરડીને જાણે નિંદ્રમાંથી જાગે તેમ બેઠો થયો.
બધા બાપુના પગમાં પડી ગયા. બાપુ કહે કે હું તો વગડામાં રઝડ્તો એક સાધારણ બ્રાહ્મણ છું. કોઇ સિદ્ધિ, શકિત કે સાધના મારામાં નથી. આ તો ઇશ્વરની, શ્રી હરિની શકિત, કૃપા છે. તમારે પગે લાગવું હોય તો ઇશ્વરને લાગો. જય બોલાવવી હોય તો ઇશ્વરની બોલાવો અને બાપુ ચાખડી પહેરીને ચૂપ ચાપ ત્યાંથી ચાલી નીકળ્યા. કેટલો મહાન આત્મા!
આવા બાપુનાં કરૂણા સભર કાર્યથી માણસોના હૃદયમાં શ્રદ્ધા, પ્રેમ, દયા, જાગૃત થયા. ત્રિકમજી બાપુના સંપર્કમાં આવેલ માણસોનાં હદય પરિવર્તન થયા. આપણાં બાપુ એ પારસમણી હતા કે જે તેમના સંપર્કમાં આવ્યા તેમને સોનું નહીં પારસમણી જ બનાવ્યા.
એક સમયે ભેટકડીમાં એક સામાન્ય ખેડૂતને સમાચાર મલ્યા કે બાપુ મજીવાણામાં બિરાજે છે એટલે એમનાં દર્શન કરવા એ મજીવાણા આવ્યા.
ત્યાં એમને સમાચાર મળ્યા બાપુ સોઢાણા છે. તો ચાલતા – ચાલતા સોઢાણા પહોંચ્યા. ત્યાં એમને સમાચાર મળ્યા કે બાપુ બીજા કોઇ ગામ બિરાજે છે. બાપુને મળવું તો હતું જ તેથી ગમે તેમ કરીને બાપુ પાસે પહોંચ્યા. તો હાલ હવાલ થઇ ગયા હતા. બાપુએ કહ્યું કે, ચાલ ભાઇ રોટલા ખાઇ લે. “ખેડૂતભાઇ કહે ના ભૂખ નથી.” બાપુ કહે, “વડલાની ડાળ પર રોટલા બાંધેલા છે એમાં તારો જીવ છે એટલે તને અહીંરોટલા ક્યાંથી ભાવે ?” ખેડૂતભાઈ બાપુના પગમાં પડી ગયો. બાપુ શી રીતે જાણી ગયા ? કે મેં વડલાની ડાળે રોટલા બાંધ્યા છે ? બાપુ માણસના વિચારો, અવ્યકત વિચારો જાણી જતા હતા.
આવી રીતે માણસના હદયમાં શ્રધ્ધા પ્રેમ, સંતો પ્રત્યે આદર ભાવ જાગૃત થાય છે. આવી ભાવનાથી માણસની અંદરનો આત્મા જાગી શકે છે.
આપણાં બાપુએ સમાજ સુધારાનાં પણ કાર્યો કર્યા છે.
સંતો પાસેથી કાંઇ શીખવું હોય, કાં અલૌકિક લાભ મેળવવો હોય તો કોઇ પણ જાતનાં આડંબર વગર જેવા છીએ એવા જ તેમની પાસે જવું જોઇએ. જેવી રીતે કાચના કબાટમાં રહેલી વસ્તુ જોઇ શકાય છે. તેમ સંતો પોતાની સિદ્ધિ, સાધના, તપ દ્વારા આપણાં મનમાં રહેલા વિચારો, ઇચ્છા, મનોરથો જાણી શકે છે.
બાપુહંમેશાં કહેતાકે સ્વઅનુભવ જેવો કોઇ ગુરૂ નથી. ગુરૂની જરૂર અલબત છે. પણ યોગ્ય ગુરૂ ન મળી શકે તો સ્વઅનુભવમાંથી બોધ પાઠ લઇને શીખવાનું. અંતરમાં એકવાર પ્રભુનો સાક્ષાત્કાર થઇ જાય, પછી કોઇ ગુરૂની જરૂરત રહેતી નથી. આ સાક્ષાત્કાર થવા માટે આપણું હદય શુદ્ધ, પવિત્ર, વાસના રહિત હોય તે આવશ્યક છે. જ્ઞાનનો ઉપદેશ મેળવવા માટે બહાર ભટકવાની જરૂર નથી.
બાપુએ બર્ડાઇ જ્ઞાતિના ઉત્કર્ષ માટે કન્યાવિક્રય જેવા કુરિવાજો બંધ કરાવ્યો. આભપરાના એ યોગીએ ગ્રામ્યજનો, રબારીઓ, ખેડૂતો, બ્રાહ્મણો, વેપારીઓ, અધિકારીઓ વગેરે – જે કોઇ એમની સમીપ આવ્યું એમને જીવનનો સાચો રાહ બતાવ્યો
એમના જીવનના દુઃખોને દૂર કરી એમનામાં ભગવદ્ભાવ જગાડ્યો. ધર્મ અને નીતિના સિધ્ધાંતો સરળ ભાષામાં સમજાવી લોકોના જીવનને સન્માર્ગે વાળ્યાં.આ માટે તેઓ પગપાળાજ પ્રવાસ કરતા હતા. ઝૂંપડીઓમાં, નેસડાઓમાં, ખેતરોની વચચે રહીને પણ તેઓ લોકોને જગાડતા રહ્યા. ભવિષ્યની પેઢીને સાચું જ્ઞાન મળે એ માટે પોતાના અનુભવોના નિચોડ રૂપે “જ્ઞાન પ્રકાશ’ નામનો ગંથ પણ તેઓ લખાવતા રહ્યા. આ કાર્ય પૂરું થતાં એમને એમ લાગ્યું કે હવે પૃથ્વી ઉપરનું તેમનું કાર્ય જાણે પૂર થયું છે. તેથી તેમણે પૃથ્વી ઉપરથી વિદાય લેવાનું નકકી કર્યુ.
એ વખતે તેઓ આદિત્યાણામાં કરશનભાઇને ત્યાં હતાં. તેમણે કહ્યું , “ભાઇ કરશનજી, હવે અમને જવાની રજા આપો, હવે અહીં પળભર પણ રહેવું નથી.”
ના બાપુ, એમ ન જવાય તો પછી અમારા બધાનું શું થશે ? અમારે હજુ આપની બહુ જરૂર છે. કરશનજી ભાઇએ કક્યું.
“જરૂર હતી, ત્યારે તમારા સહુના આગ્રહથી મેં ત્રણ ત્રણ વખત જવાનું મુલતવી રાખ્યું હતું, પણ હવે રોકાવાય તેમ નથી” બાપુએ કહ્યું. વધારામાં ઉમેયું, “‘હં કહું છું ને કે હવે તમે અમારા જવા માટેની તૈયારી કરો.”
“આજે અગિયારસ છે”
“અરે બાપુ આજે ને આજે જ ? એ શી રીતે શક્ય બને એક તો આદિત્યાણા જેવડું નાનું ગામ એમાં અગર, ચંદન શ્રીફળ એ બધું પૂરું મળે નહીં. વળી ગામમાંથી આપણા સંબંધીઓ જુનાગઢ શિવરાત્રીના મેળામાં ગયા છે. તો હું એકલો બધે નહીં પહોંચી વળું. બાપુ બે ચાર દિવસ થોભી જાઓ.” કરશનજીભાઇએ આજીજી કરતાં કરતાં કહ્યું.
“અરે, ભાઇ ટાણું આવે ત્યારે કોઇ રોકી શકતું નથી જેનો જન્મ છે, તેનું મૃત્યુ તો નિશ્ચિત જ છે.”
“પણ બાપુ, તમે તો સિદ્ધયોગી છો. મૃત્યુ તમારા વશમાં છે. અને બાપુ પછી અમે કોની પાસે દોડી જશું ? અમારા દુઃખ કોણ દૂર કરશે?”
ત્યોરે બાપુએ કહ્યું, “ભલે હું શરીરથી તમારી પાસેથી જતો રહીશ, પણ એકબીજા સ્વરૂપે તો હું તમારી વચ્ચે જ રહી. બસ પછી કંઇ ? હવે તૈયારી કરો બાપલા”
“ના બાપુ આજે નહીં, જુનાગઢથી બધાંને આવી જવા દો”
“ઠીક તો પછી બધાંને જુનાગઢ ખબર મોકલાવીને તેડાવી લો. પોરબંદરથી બધી વસ્તુઓ મંગાવી લો”
બાપુએ પોતાની મહાસમાધિને બે દિવસ મુલતવી રાખી. તે દરમ્યાનમાં સંદેશો મળતાં જુનાગઢથી બધાં ભકતો આવી ગયા. કરશનજીભાઇએ બધી વસ્તુઓ પોરબંદરની મંગાવી લીધી. મહાશિવરાત્રીના દિવસે બાપુએ જાણ્યું કે હવે બધી તૈયારી થઇ ચૂકી છે. એટલે મહાસમાધિની ઘડી પણ તેમણે નકકી કરી લીધી. તે દિવસે ઘણાં લોકો બાપુના દર્શને આવ્યા. બાપુ તો ખૂબ જ સ્વસ્થ હતા. એટલે કોઇ જાણી શકયું નહીંકે આ બાપુના છેલ્લા દર્શન છે. હવે પછી આ મધુર વાણી સાંભળવા નહીં મળે. શિવરાત્રીનો આખો દિવસ ખૂબ જ આનંદમાં ગયો. મોડી સાંજે બાપુ મેડીએથી નીચે ઊતર્યા અને બોલ્યા. “હવે ઉપર જવું જ નથી. કહીને હિંડોળા પર બેઠા. ત્યારે પણ ખૂબ જ સ્વસ્થ અને પ્રસન્ન હતા. ધીમે ધીમે ઊંડી સમાધિમાં લીન થઇ ગયા. જયારે જાગ્યા ત્યારે રાત્રીના અગિયાર વાગ્યા હતા. તે સમયે તેમણે કહયું, “કરશનજી હવે તૈયારી કરો. સમય થઇ ગયો છે.”
“બ્રાપુ, શી તૈયારી કરું ? મને તો કંઇ ખબર પડતી નથી.” હાથ જોડીને કરશનજીભાઇ બાપુની સામે ઉભા રહ્યા પછી બાપુની સૂચના પ્રમાણે ગાયના છાણથી જમીન લીપી ઉપર દર્ભ મૂક્યું. બાપુ તૈના ઉપર ૐ બોલીને સૂઇ ગયા. આંખો બંધ કરીને ઊંડો શ્વાસ લીધો અને બ્રહ્મરંધમાંથી એ મહાન આત્મા શરીરનું પિંજર છોડીને ચાલી નીકળ્યો એ સમયે સમગ્ર વાતાવરણ સુગંધથી મહેંકી ઊઠયું. આકાશમાં એક તેજસ્વી તારો તેજનો લીસોટો કરતો આકાશગંગા તરફ જતો અદશ્ય થઇ ગયો. ત્યાં હાજર રહેલા સહુ દિગ્મૂઢ બની ગયા! શું મૃત્યુ આટલું બધું સહજ હોઇ શકે ? જાણે બહારગામ જતા હોય એટલી સહજતાથી શરીર છોડી દીધું ! પોતાના શરીર પ્રત્યે પણ જરાય મમત્વ, નહીં! કેવી અનાસકિત ! પછી એ દિવ્ય શરીરના અગર ચંદનની ચિતામાં અગ્નિ સંસ્કાર કર્યા પંચમહાભૂતનું શરીર પંચમહાભૂતમાં ભળી ગયું.
ભલે આજે આપણી વચ્ચે બાપુ સદેહે નથી, પણ સૂક્ષ્મ દેહે, જ્ઞાન દેહે, અક્ષર દેહે તેઓ આપણી વચ્ચે જ છે. તેમના વચનો આજે પણ એટલાં પ્રસ્તુત છે. એમની વાણી આજે પણ આપણને સન્માર્ગે લઇ જાય છે.
બાપુના વિચાર ખૂબજ સરળ અને હૃદય સ્પર્શી છે. બાપુ કહેતા – સાચું બોલો, સાફં બોલો, “વાસનાથી મુકત થાવ, ચિત્તને શુદ્ધ રાખો અને સતત હરિનું નામ જપો.” આટલું કરવાથી મન સતત ઈશ્વરનું સાનિધ્ય અનુભવે છે. અને શાંતિનો અનુભવ થાય છે.
વાસનાનું ખપ્પર લઇને જીવ ૧૪ બ્રહ્માંડમાં ભટક્યા જ કરે છે. જો મુકિત જોઇતી હોય તો માણસે પોતાની અંદર રહેલ જ્ઞાનને જગાડવું જોઇએ.
બાપુ કહેતા કે ૪૫ વર્ષ સુધી મેં જીંદગીમાં નિસ્વાર્થ, નિષ્પાપ માણસની શોધ કરી. સંત, ફકીર, રાજા, સાધુ ઓલિયા, રંક જોયા દરેકમાં કોઇને કોઇ પ્રકારનો સ્વાર્થ રહેલો જોયો. શુદ્ધ, નિષ્પાપ,
નિસ્વાર્થ માણસ કોઇ જોવા ન મળ્યો. એટલે જે મને ઈશ્વર તત્વ, પરમાત્મા વિશે જાણવું છે. તેમના માટે “જ્ઞાન પ્રકાશ” મુક્તો જાઉ છું. કે જેના દ્વારા માણસ આત્મખોજ કરી જીંદગીનાં વમળમાંથી રસ્તો શોધી ઇશ્વરને પામી શકે. આ પુસ્તક “જ્ઞાન પ્રકાશ” માંથી જે કોઇ જ્ઞાન લેશે અને આચરણમાં મૂકશે. તેને ઇશ્વર, સત્ય, પરમાત્મા, પરમ ચૈતન્યનું ચૈતન્ય જરૂર પ્રાત થશે.
બાપુ કહેતા કે સમાજમાં ઢોંગી, ધૂતારા, છળ-કપટ કરવા વાળા ખૂબજ છે. તેમનાંથી સતત બચતા રહેવું આ માટે એક ઉદાહરણ બતાવે છે કે –
એક બ્રાહ્મણ અને એક બ્રાહ્મણી હતા. તેમને ધન કમાવવાની ખૂબજ લાલસા હતી. ધન મેળવવા તેઓએ એક નુસખો કર્યો. મોટા પંડિત, શાસ્ત્રી, વિદ્ધાન હોવાનો પ્રચાર કર્યો. રાજાનાં રાજમહેલમાં રાજકુમાર અને રાજકુમારીને ભણાવવા જવાનું શરૂ ક્યું. રાણીનો સ્નેહ પ્રાપ્ત કર્યો. પણ ઇચ્છા મુજબનું ધન મળતું ન હતું. એક દિવસ તેમણે પેંતરો રચ્યો. તેમની પાસે એક જડીબુટ્ટી હતી કે જે ખાવાથી માણસ ત્રણ દિવસ નિશ્ચેત બનીજાય. પોતાના દીકરાને એ જડીબુટ્ટી ખવડાવી અને એ નિશ્ચેત બની ગયો.
માં એ કલ્પાંત શરૂ કર્યુ. મગરના આંસુ. રડવા લાગી કે મારો એક નો એક દીકરો છે. એને કાંઇક થઇ ગયું એમને સાજો કરી દો.
રાજાનાં મનમાં લાગી આવ્યું કે આતો બ્રાહ્મણ, પંડિતનો દીકરો અને વળી રાજકુમાર, રાજકુમારીનો ગુરૂ એટલે એમણે ઢંઢેરો પીટાવ્યો કે આ છોકરાને સાજો કરે તેમને એક લાખ સોના મહોર આપીશ.
ત્યાં ગામમાં એક મંદિર હતું ત્યાં એક સાધુ આવ્યા હતા. ગામના જોશીએ બતાવ્યું હતું કે મંદિરમાં સાધુ આવશે તે આ બ્રાહ્મણનાં દીકરાને સાજો કરશે. બધા સાધુને લઇ આવ્યા અને દીકરાને સાજો કરવા કહ્યું. આ વાત બની ત્યાં જડીબુક્ઠી ખાવાને ત્રણ દિવસ પૂરા થવા આવ્યા હતા. બ્રાહ્મણ, સાધુ અને જયોતિષ ત્રણે આવીને દીકરાને હોંશમાં લાવવા પ્રયત્ન કરવા લાગ્યા અને પ્રયત્ન સફળ થયો હોય તેમ દીકરો હોશમાં આવી ગયો. આળસ મરડીને બેઠો થયો. રાજાએ એક લાખ સોના મહોર સાધુને આપી. સાધુએ ન લેતા કહ્યું કે મારે શું કરવું છે ? હું તો સાધુ છું. જોશીને આપો. જોશી કહેકે મારે શું કરવું છે ? બ્રાહ્મણને આપો. રાજા તો ખુશ થઇ ગયો. અને બ્રાહ્મણને સોના મહોરો આપી. અને રાત્રે ત્રણે જણાએ મળીને સોના મહોરો વહેંચી લીધી. સાધુ અને જયોતિષ બન્ને બ્રાહ્મણના ભાઇ હતા. બાપુ કહે છે કે આવી આવી પ્રયુકિતઓ કરીને માણસને છેતરવાનો પ્રયત્ન ઢોંગી અને ધૂતારાઓ કરતા હોય છે. તેમનાથી સદા સાવધ રહેવું
બીજું એક ઉદાહરણ આપતા બાપુ કહેછે કે –
એક ખૂબજ મોટો પંડિત હતો. પોતાના લાવલશ્કર સાથે એક ગામથી બીજા ગામ ફરે. શાસ્ત્રાર્થ કરે. પંડિતોને હરાવે. રાજા પાસે માન, ધન, કીર્તિ મેળવતો વિજય ડંકા વગાળતો આગળ જાય. આમ ગામ પસાર કરતાં એક ગામમાં આવે છે.
એક દિવસ સાથે રસોઇ બનાવવા વાળાને કહે કે મેં બહુ સમયથી કોબીનું શાક નથી ખાધું. કોઇ માણસ પાસે કોબી મંગાવી, પણ કોબી ખૂબજ મોટી આવી હતી. સૌથી છેલ્લે કોબીનું શાક બનાવવા વિચાર્યું. પહેલા બધીજ રસોઇ બનાવી. છેલ્લે કોબી લઇને શાક સમારવા શરૂકર્યુ. કોબીના એક પછી એક પાંદડા ખોલતા ગયા. આખી જ કોબી ખોલી નાખી પણ એને કોબી ન મળી તે ન જ મળી, બધા પાંદડા જ મળ્યા પછી વિચાર્યું કે કોબી તો મળી નહીં, પાંદડાનું જ શાક બનાવું જેમ તેમ કરીને શાક બનાવ્યું.
જમવા સમયે પંડિત કહેઆવું તે કાંઇ શાક હોય ? ન સ્વાદ ન સુગંધ. રસોઇયો કહે કે પંડિતજી, “હું કોબી શોધ તો હતો પણ ન મળી એટલે વિચારે ચડયો કે પંડિતજી આટલાં પુસ્તકો વાંચે છે – થોથાં ઉથલાવે છે પણ સાર-તત્વ એમની પાસે કયાં ?”‘
અને રસોઇયાનાં આટલા શબ્દો સાંભળ્યા અને પંડિતજી જાગી ગયા. પોતાની આટલા વર્ષની મહેનત પાણીમાં ગઇ એ સત્ય સમજાઇ ગયું કે આટલા શાસ્ત્રાર્થ પછી પણ સાર તત્ત્વ મલ્યું નથી. અને એજ મિનિટે સાર-તત્વની શોધ માટે જંગલમાં ચાલ્યા ગયા.
બાપુ કહે છેકે આપણે રસોઇયાની માફક સંસારી વસ્તુમાં માયાના વમળમાં કોબી શોધવા માટે પાંદડા ખોલીએ છીએ. પણ જેમ કોબી મળતી નથી તેમ સાર તત્ત્વ પણ મલતું નથી.
આવાં ઘણાં બધાં ઉદાહરણ બાપુએ આપણને આપેલા છે કે જેનાં દ્રારા આપણને ઇશ્વર પ્રાપ્તિનો માર્ગ મળે. માર્ગ પર ચાલવા પ્રેરણા મળે અને માર્ગ પર આગળ વધી ઇશ્ર – બ્રહ્મ – સત્ય – પરમાત્મા મેળવી શકીએ.
બાપુના “જ્ઞાન પ્રકાશ” પુસ્તકમાં ઇતિહાસ, ભૂગોળ, ખગોળ, જયોતિષ, નક્ષત્ર, રાશી, સંધ્યા, ગ્રહો તેમજ બ્રહ્માંડ અને તેની ઉત્પતિ વિશે સરળ માહિતી બાપુએ આપી છે.
યોગી, સંત આધ્યાત્મિક પુરૂષના જ્ઞાનના કોઇ સીમાડા નથી હોતા. તેમની ચેતના આજે પણ છે. સંતો પોતાનું ભૌતિક શરીર છોડી દે છે. પણ સૂક્ષ્મ શરીરથી હંમેશા વિચરણ કરતા હોય છે. કારણ કે સાધના તપ, તપસ્યા દ્વારા તેઓ વિશ્વના કોઇ પણ ખૂણે સૂક્ષ્મ શરીરથી આવી જઇ શકે છે. મતલબ કે આપણે તેમની પવિત્ર હાજરી કોઇ પણ જગ્યા પર અનુભવી શકીએ છીએ. હા, જરૂર છે માત્ર એ શકિત વિકસાવવાની.
શ્રદ્ધા, વિશ્વાસ અને આસ્થાથી માણસ સંતોની આ સતત સર્વત્ર, સર્વદા વહેતી ચેતનાને અનુભવી શકે છે. બાપુની આ પવિત્ર ચેતના પણ સદા વહેતી રહે છે. જ્ઞાતિજનોને પ્રેરણા આપવા ઉત્કર્ષ માટે તેમજ પરમ પવિત્ર પરમાત્માનાં માર્ગ પર ચાલવા મદદ કરવા, બસ પ્રેમથી પુકારવાની જ જરૂર છે.
સંતો પૃથ્વી પર આવે છે જ એ માટે કે આપણી અને પરમાત્માની વરચે વાસના વૃતિ, દુવૃત્તિ, છળ, કપટનો જે પડદો છે તેમને પાતળો કરે છે.
અને ધીમે ધીમે ઓગાળી નાંખે છે. પૃથ્વી પરનાં દરેક મનુષ્યમાં રહેલી ચેતના જાગે અને પરમ ચેતના પ્રાસ કરી શકે તે માટે સંતો પૃથ્વી પર અવતરણ કરે છે અને આવવાનું ચાલુ જ રાખે છે.
વારંવાર સાધના કરે છે. સિદ્ધિ મેળવે છે. અને માણસને ભગવતોન્મુખ કરે છે.
આવા આપણા આ બાપુને આપણા શત્ કોટી વંદન.
નાનું બાળક જેમ માના આંચલમાં છૂપાઇને નિશ્ચિત બની જાય, પ્રેમ વાત્સલ્યને માણે તેમ આપણે પણ બાપુએ બતાવેલ પરમ સત્યના રસ્તા પર ચાલીને જીવનમાં ઇશ્વરની કરૂણા, પ્રેમ, કૃપા મેળવવા પાત્ર બનીએ.
॥ પરબ્રહ્મ પ્રભુ હરિ ૐ સાક્ષાત. હરિ ૐ તત સત્ પરબ્રહ્મ પ્રભુ॥